Archive for મે, 2010

“સોઁણું”

મે 30, 2010

            પાંજે હિન્ધુસ્તાનજો ધિલ ધિલ્લીજો તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ હડકેઠઠ્ઠ ભરલ વો. કારણ ક,અજ ૧૯૯૨જો “શિક્ષકદિન” આય અજ ઉત્તમ શિક્ષક પારિતોષિક ડને મેં આચે વારો આય.અની ઉત્તમ શિક્ષકજી હારમેં હકડ઼ો નાલો પાંજે કચ્છી નરજો પણ આય ઇ આય કચ્છ વિગોડ઼ી જા શ્રી નારાયણ જોશી “કારાયલ” અન કે સ્વ.રાષ્ટ્રપતિ શ્રી શંકર દયાલ શર્મા સન્માનિત કરે ને ઉત્તમ શિક્ષકજો અલકાબ ડનો એડ઼ે વડે ગજેજે સાહિત્યકાર જી હકડ઼ી આખાણી નેરિયું.

“સોઁણું”

       “ડેવ સાયભ”!!!

             વિચારીંધે “ડેવ સાયભ” નાં ડેવેકે ઠીક લગો.”હુંતાં ગાલએ સચી ક,સાયભેંકે ડેવ વારેંજીજ ‘પારકેં સુખે સુખી  નેં ડુખે ડુખી રૉણું ખપે! પધમી ક સાયભી જુડ઼ે પુઠીઆં, પેટ ડીઆં ગુડાવારીંધલ ખાઉપાતરેજી પધમીં પણ લજાજે! ને મુંકે તાં ભાગજોગેં. હૅડોવડો હુધો જુડ઼્યો આય , ત ભલેંન ધુનીયાં પણ ન્યારે ક’નેક-ટેક નેં  ઇમાનધાર માડ઼ુ હઞાં અઇં ખરા!’ઇનીજે  વીચરેંજી કતાર હઞાં અગીઆં ને અગીઆં હલઇ વઇતે,તાં સતક મજલેંવારી જભરધસ્ત ‘બિલ્ડીંગ’જે અઁઙ્ણકે કપી.ઇનીજી ગાડી ઠૅઠ મોંઘીડે વિઞીં બ્રેક થઇ.

      અછેં-પછેં લુગડ઼ેવારા,ડા નેં ડિસણાવાસણા,કઇક માડ઼ુ ઇનજી ગાડીકે ચૉફેર સલામ કરે,ક હથ જોડ઼ે ઉભી ર્‌યા! ઉભલેં મિંજા હિકડ઼ે અછેં ફડિંગ લુગડ઼ેવારે રૂપારે જુવાણ, ગાડીજો ધરવાજો ઉપટેં ને પિંઢજી ઓરખાણ ડીંધે ચેં

“ડેવ સાયભ…આંઉ આંજો પર્સનલ આસીસ્ટંટ,શર્મા; આપજી હિન જભરધસ્ત, જભાભધારી વારે હુધે મથે નિમણુંક થઇ તેસેં રાજી થઇ,પાંજી હાફિસજેં હિનીં મિણીં ધોસ્તેંભેરો આપકે આવકારીયાંતો ને અસીં મિડે આંકે મુભારક બાધી ડીયોંતા.

               હાંણે હિની ધોસ્તેંજી આપકે ઓરખાણ કરાઇયાંત…. હી પાંજા સેક્રેટરી શ્રી રાધેશ્યામજી….હી, ઇકબાલ સાયભ….નેં….હી…..,નેં ઓરખાણ-પારખાણ ભેરા હરેં હરેં મિડે અચી ચેંમ્બર વટ પુગા.

                “સરગ હિત જ આય!” તેડ઼ો ભાસ ચેંમ્બરમેં પગ રખે ભેરો ડેવેકે થે ધારાં ન ર્‌યો! “કુરો ઠાઠ-ઠઠારો….કુરો સાયભી?!!!” હોફિસમેં ખપેંનેં સોભએં તૅડિયું,અજ જમાને જ્યું તમામ સગવડું હાજરા હજુર ડિસી ‘ડેવો’ હિરસ્યો.

                મિડ઼ે વિઠા,ચાય નાસ્તો પતાંઇધે હકબેંજી ઓરખાણ-પારખાણ નેં હિલણ-મિલણ થ્યા ને પોય થઇ કમકાજજી  ચર્ચા નેં ઇ કંધે કંધે બિપોરજા બ-અઢઇ વજી ચુકા ઇતરે,રજા ગિની ગિની ઇડ઼ે પિંઢ પિંઢજે કમતેં ચડ઼યા.

વડ઼ે-વડ઼ે ખૅરખાં, ઠીમ-ઠીમ, કરતા હરતા એંકે, મિલણલા,બિપોરે મુડઁધે સાડ઼ેત્રીજો ટૅમ ડેવાણું હો, ઇતરે કીંક વેછો જુડયો હો નેં ડેવો અણ કીંક થકો હો ઇતરે કોટ લાય, પગ ધ્રિગાય, આરામસેં વઇ કીંક વીચારેજો સાઇયો કેંતે તાં ખુદ ‘પી.એ.’ ધરવાજો ઉપટે સામું અચી ઉભો.

‘વ્યો’ કીંક અભોભર કીંક ધ્રિજલ પી.એ. કે ડીસી, ડેવે ખુડ઼સી ડસે.

“જી….જી, સાયભ વેંણું નાંય….પણ….આપજી રજા હુએંત…..”

“હા…..હા,ચૉ કુરો ચોંણું આય?”

“સર….લક્ષ્મીદાસજી આપકે મિલણ મંઙેતા, જ આપજી રજા હુએ ત…..! ઇનજ્યું અખીયું પટ ખોંતરણ લગીયું.

“લક્ષ્મીદાસજી…? કેર લક્ષ્મીદાસજી?!! હિત આંઉતાં કેંકેય નતો સુઞણાં ને હું-એ-પાં, વડેરેં કે ત્રી-સાડ઼ેત્રીં વગેં ગુરાયા જ અઇ, અ પોય હેવર કુરો આય..?!!” ડેવેજે મોંતે હાકેડ઼ો ને કંટાડ઼ો તરીને પધરા થઇ ર્‍યા.

“સર…. લક્ષ્મીદાસજી ‘પાંજા માડ઼ુ’ કંત્રાટી, વેપારી, અગુઆ ઠીમ ચુંઢ ને સજે સૅરકે  કનમે  લોડીધલ, ‘જભરા’ માડ઼ુ અઇં, હુંતા આં પણ તકડ઼ ન કરીઆં પણ ઇ ખુધ કડુંણાં મુંવટ અચી નડ઼ી વઇર્‍યા અઇં ઇતરે મું ભાયોક…ભલે…ન..સાયભકે….”

“મિલે ભરાભર ન…..? મોં ફિટાય ડેવે ગાલકે વિચાં બુકી ગિડ઼ે, ઇનજી અખજી ખુંણ રતી થઇ, મોં કઠોર થઇ વ્યો પણ…”

            ‘કીંક તકડ઼ થીએતી’ તેડ઼ો લગઁધે, ડેવે વીચારેંક ‘તેલ ન્યારિયું તેલજી ધાર ન્યારિયું જિકીં હુંધોસે થઇ રોંધો પધરો’ ને વીચાર ભધલઁધે ઇન મોંજી સુરત ફિરાંય નેં જરા મુરકી નેં ચેં

“ભલેં…..ભલેં, તૉજી મરજી આયત ભલેં મિલેં ગુરાય”

ને જાણેં પાસા પોબાર પોંધા હુએંતી,શર્મા રાજીયાણું થીંધો થીંધો ચેંમ્બર છડે વ્યો.

             નેં પલવારમેં,ચેંમ્બરજો કુતરબારીયો ફિરી ઉપટાજે ભેરોજ હિકડ઼ો આધોટમેં સિરી આયો! ડેવે ઇનકે ઠાય ભનાયનેં ન્યારેં, માપે નેં મિંટાય ત અચીંધલજી અખમેં સપસુર્યાતે! જીભમેં અમીં નેં મોંતેં વડપજો વરતારો પધરો થઇ ર્‌યોતે.જગાંમગાં બુટ,અછે આકાસી રંઙ જો સુટ, સની સૉનેરી ફ્રેમજી અખીએં આડી ચસ્મા નેં ભરાભર ધ્યાનસેં વેડ઼લ વારેસેં ઇનજી ઉમર હુંધે છતાં ડિસાણી નતે!

“અચૉ લક્ષ્મીદાસજી ભલેં આયા, વ્યો….શર્મા આંજી ઓરખાણ મુંકે મૉરઇ ડનોં હયો. વ્યો…વ્યો” 

“ડેવ સાયભ…આંઉ આંજે હિન મિઠે આવકારસેં નેં મુંકે ખાસ મુલાકાતજો મૉકો ડિનો તેંલા, બૉરૉજ રાજી થ્યો અઇયાં. અસાંજે સૅરમેં અઇંતાં નાં-નાં પધાર્યા અયો-ઇતરે પુછા

 ગાછા કેંણી ઇ, અસાંજી ફરજ આય; નેં…નેં….! ઇન વછાડ઼ી ખનારેં.

 “કુરો નેં….નેં? જિકી હોઇ સે ચઇ વિજો સેઠ, હિત કોય પારકો તાં આય ન!” ડેવે માજનજે મનકે ઠેરો ડઇ ગાલ કઢાઇજી કેં. 

“નેં સાયભ, મું ભાયક પાંજી પૅલી ઓરખાણેં,આપકે, કૉ ન કીંક ભેટ ડીંધો વંઞા?” કીક ત્રિડ઼લ નેં કીંક ડકલ સડેં, લક્ષ્મીદાસ ગાલ પુરી કરે ભેરોજ ‘પર્સ’ ઉપટેં, નેં હિકડ઼ી સટૂકડી ઘાટીલી ડબી કઢી, ઉપટીને, ડેવ સાયભજી ટેબલતેં-સામેં રખઁધે,ભુત્તતાં પગર ઉગેં!!!

“વીંઢી” ડેવેજી રડ઼ નિકરી વઇ! વીંઢીમેં જડ઼લ જગાં મગાં નંગ મિંજા નિકરઁધલ વિજ્‌ જેડ઼ો સેડ઼ો, ઇનજી અખીએંકે વિંધી, હીંયે તઇં પુજી, ઉત ભાય ધુખાય છડેં!!! અને ઉન ભાયજા ભડ઼કા પાં વરી ઇનજી અખીએંમેં છતા થઇ ર્‌યા!! હેરઇં જાણેં ડંધેંસેં ઉનકે ફાડી-પીસી વિજણું હોય તીં, ડંધ કિકડ઼ાઇધે ફાટલ સડેં ત્રાડ ગાડ ડિનેં!!!!

“લક્ષ્મીદાસ હી..અંઇ… ખાસો….”

“હાંણે ભો,સાયભ ભો, કુરો ખાસો નેં કુરો અભરો! હીતા પાંજી પૅલી ગડજાણીજી જાધગીરી આય.બાકીં સાયભ ખમૉ થોડ઼ાક ડીં ‘માલામાલ’ થઇ વેંધા સમજ્યા?” ડેવેજી ગાલકે અધરો અધર બુકી લક્ષ્મીદાસ પંઢજી જાર વિછાઇંધે અખ ભિલીકેં!!!!

“લક્ષ્મીદાસ…લક્ષ્મીદાસ….હી  અઇં ખાસો નતા કર્યો સમજ્યા? ગોડ઼ીયેવારી રાંધ છડી, હાણેં-ટાણેં વાજાવીંટયો હઇયો.હઞાઁતા હીત પગ રખ્યો જ આય તાં પુગા નરગજી વાટ વ વતાયણ? ‘ગેટ આઉટ’ ‘ગેટ આઉટ’ નિકરો હયાંનું બાર ,નકાં ન્યારે જેડ઼ી થીંધી!” ઇનજો ભુત્ત રફી હલ્યો, અખીયું ટાંઢો વાસાયણ લગીયું! નેં તામેં ને તામેં ડેવે ઉભો થઇ મુઠ ભીંણે વમ્‌મિજાં ઠોકેં ટેબલતે…!

“વૉય….,વૉય…ઘોડ઼ાડે ઘોડ઼ા….!!!!

           ટીચક આંગરવટાં, અધવિરથ, તાજી બાવરજી સૂર,પંજે મિંજા એડ઼ીતાં આરપાર થઇ વઇક, ડંધેકે મુઠ ડઇ,મડ મડ બે હથાં છિકી કઠઁધે,ડેવેકે ડીંજા તારા ડિસાણાં વૉંધલ રતકે ધાબે; મથો ધામ કરે,અખીયું ભૂસે જ ન્યારેં ત ઉજ ‘તંભુબાવર’ જોડ઼ેજો સિરાઁધીઓ, ગુગરજોડબો નેણ રોઢો!!

“તડે હી કુરો સોઁણું?!!!”

“સોઁણું ન ત બ્યો કુરો ડેવ સાયભ!!!! તૉજા ઍડ઼ા ભાગ કયાંનું ક તું તૅસ તઇં પુજેં!!!” ઇઅજો મથો ગુમણ લગો, હથમેં થીંધલ પીડ઼ાસે નાંય થઇ,ગુનરવારે પઇ ‌ર્‌યો.નેં તેરઇં ઇનકે-નિંઢપણમેં કનેં મિજા થઇ અંધર ઉતરીવેલ ને હઞાંપણ હીંયેંમેં જીરા જાગઁધા ગુમધલ,માસ્તર સાયભવારા અમરત જેડ઼ા સબધ ચિત ચડ઼ી આયા!!!

“ડેવા….,તું હીંયેંજો ઍડ઼ો ચૂટો અઇએં જ તું આગીઆં ભણેં ત જરૂર વડો સાયભ થઇ વિઞેં ભલા!!! નેં હીનીં સબધેં ડેવે મથે એડ઼ોતાં જાધૂ કયોંક, તેનીનું ઇ ધિલ લગાય ન ભણઁણ લગો. પાડ઼ા,બિલાખડ઼ી નેં પાઠ વાંચેમેં એડ઼ોતાં અકો થઇ વ્યોક, ઇનજી ઓંકાર જલઇ નતે જલાણી!!!

       હૂંતાં સૅરનું કૅડ઼ીખબર કિતરોય પર્‌યાં,ડોંય-પનરે ભૂંગેંજો ઇનજો ગોઠ.માલધારી, મુલઇ નેં ખેડ઼ૂ માડ઼ૂએંજી સટુકડી ગરીભ વસ્તી જ વરે ભનેત ભીલે-ભીલે,નકાં ઉઠેતેં ઓતારા નેં ઘોડ઼ેતે ઘર’ વારે હાલ,વારા,પારાવાર અછતીલા નેં અભણ માડ઼ુ નેણ ઇતરે, ડોંય-વીયેં છોરેંવારી,તેનુંણી ડેવેવારી નીસાર ઉપટ-ઢક થ્યા કરે!!!

        નેં  જિં ડીં વેંધા વ્યા તીં-તીં ઇનવારી ભણેવારી ઑકર પણ ઑસરઁધી આવઇ, નેં છેવટ કુટમ-કભીલેજી જભાભધારીજો રસો ઇનજી નિડ઼ીમેં એડ઼ૉતા ગચી ર્‍યો ક, ઇનજે હથમેં ગુંધ-ગુગરજો ડબો અચી વ્યો!!!

        હું સુખી હો, ભાગીઓ હો, હેકાંધીક ગોં-બચાર રિઢ-બકરિયું, ટુકર ખેતર નેં પિંઢપારે ઇતરો સટુકડ઼ો કુટમ. પણ જડેં કો કમકાજેં, ઇનકે સૅરમેં વિઞણજો થ્યો; નેં ઉતઇં રોંધલ સગેં ભેરો,ભગીચા,હોફિસું,મ્યુઝીયમ,ફીલ્મું,ગાડીયું,બંગલા,રેલ,વેમાન, નાં-નાં માડ઼ુ, નઁઇયું, નઁઇયું કિરામતું ન્યારેં તડેંતાં ઇ ઍડ઼ો હેરતમેં પઇ વ્યોક જાણેં ઇન નઁઇ ધૂનીયાં ન્યારેં ન હોય?!!

“ઉથીડ઼ે ડેવા….ઉથી તૉજા ઍડા ભાગ ક્યાનું ક તું સાયભ ભનેં….!! ભોંત વરઁધે ઇનજે હીંયેં મિજાં ઓબારો ઉથ્યો!!

    ગુગરજો ડબો રોઢેતે ટિંગાય કુલેતેં ખણી,ડેવો થ્યો રવાનું.તય ઇનજે ધિલમેંતાં ઇજ વીચાર હલ્યાતે ક, “હાણે” જમાનું ભધલઁધે,છોરા ભણાયજો ભાગ નિસીભ થીએ તૉય હઇયો;ભાકીં તૂં તાં હાણેં “સાયભ” વારા સોઁણા લજપ્યો નેં વડોથી પ્યો ભા!!!!

(લેખકજી ચોપડી “વતનજી ગાઇયું મંજા)

Advertisements

“કડાં-કડાં”

મે 23, 2010

“કડાં-કડાં”

(રાગઃ દગા દગા વઇ વઇ વઇ……..) 

કડાં કડાં વઇ વઇ વેં… …કડાં કડાં વઇ વઇ વેં…ગોરી

હાણે જલાણી તોજી ચોરી… … … …. …. …. …. …. …. …. …. …. …. …કડાં કડાં

મથેતે  માટી ઠલી  વાટ મથુરાજી  જલે, જમનાઘાટ  અચેં  ક્યાનું   તું કેં  કેં તી મલે (૨);

હાણે શરમાય મ તું ગાલ લકાય મ તું, હે રાધે હે રાધે હે રાધા… … … .કડાં કડાં

ભલે  તું કીં ન કુછે  તોંય પણ   ખબર  પેતી, ડસીને રંગ ઢંગ તોજા ને નજર ચેતી (૨);

કોય ચોરાય ગડે હૈયો હેરાય ગડે,હે રાધે હે રાધે હે રાધા… … … …. …કડાં કડાં

“પરભુ”ત ગોતે ગોતે રોજ કડાં કાન મલે,રમાડે લકબુચાણી તું રખેતી કાન જલે (૨);

કેર ચતચોર કેંજો નાય જભાભ તેંજો,હે રાધે હે રાધે હે રાધા… … … …કડાં કડાં

 

૦૨/૧૧/૧૯૯૦/૨૩-૦૫-૨૦૧૦

“લડ કડાં???”

મે 23, 2010

“લડ કડાં???”

                  જડે પાંજે ડેસ હિન્ધુસ્તાનમેં કતેક રાજાશાહી,કતેક નવાબશાહી ત કતેક બાદશાહી હલઇ તે તડે વડા વડા કસભી કલાકાર ઇનીજે ધરબારમેં પંઢજો હુન્‍નર વતાય ને કલાજી કધર  કરાઇધા વા ત અન ભધલ અનીકે ખાસા માન અકરામ પન મલધવા ને કસભજો આબર થીંધો વો.

                   હકડ઼ો  વડો વિડેસી ચિતારો કચ્છ આયો ને ચેં રા’બાવા અઇ ચો સે ચિતર આંઉ  ભનાય ડીઆ. તેમેં જ કોય ભુલ કઢી ડે ત મુકે અજ ડીં સુધી જકી માન અકરામ મલ્યા અઇ સે હડા રખી વેંધોસે નકા મુંકે હજાર કુરીયું ઇનામ ડીણી.

                   નાગપાંચમજો જકીં અસવારી નકરેતી તેંજો ચિતર અનકે ઠાય ડીણું એડો નક્‍કી થ્યો.અન અસ્વારીજો ચાર વામ લમો ચિતર ભનાય અસલ આબેહુબ ચિતર ડસીને મણીજા વાત ફાટીર્યા.

                    રા’બાવા ધરબારમેં ચિતર રખ્યો ને ધરબારી કે ચ્યોં ક હનમેં કીં ભુલ વે ત વતાયો.કોક વા વા કે, કોક ચે હુબહુ આય કોક કીં ચે કોક કીં મણી કિયાડ઼ી ખનેર્યો પણ ભુલ કેંકે ન લધી.હડાં ચિતારો એંકારમેં રાજ ધરબારમેં આંટા ડે વઠો. રા’બાવા ડઠો ક હન તરેં મેં તેલ નાય અતરે તાડ઼ી વજાય ચ્યોં

 “કેર આય હાજર????”

“જી હજુર હુકમ કર્યો” હજુરિયો હાજર થઇ ચેં

“ખત્રી ચકલે વનો ને ખત્રી વાઢેકે ગુરાય અચો”

“જી”

         હજુરિયો ત વ્યો ખત્રી ચક્લે ને હક્ડે વાઢે કે કોઠે આયો. વાઢો ત અચી ધુવા સલામ કે, રા’બાવા પુછ્યો

“ભા કુરો નાંલો આંજો????”

“જી ખેતો”

“ત ખેતસીભા હી ચિતર નેર્યો ને ચો ક હનમેં કુરો ભુલ આય પાંજે કોય ધરબારી કે ત ન લધી અઇ લજી ડ્યો હી કચ્છરાજજી ઇજ્‍જતજો સવાલ આય” પોય અની એંકારી ચિતારેજી ગાલ ક્યોં.ખેતસીભા ત રંગમેં અચિવ્યા પોય બ હથ પુઠિયા બધી ને નરખેને સજો ચિતર હન છેડ઼ેથી હુન છેડ઼ે સુધી નેર્યો હક્યાર બઇયાર ને ત્રઇયાર નેરીધે તાડી વજાય ને ખલ્યા ત રા’બાવા પણ સમજી વ્યા ક ખેતે વાઢેકે કીંક ત લધો આય.અતરે પુછ્યો

“કિં ગાલ થઇ ખેતસીભા???”

“અરે!!! બાવાની નેર્યો હેડા મડ઼ે ઘોડા હલેતાં ત કડાં રજ નતી ડસજે ઇ છડ્યો પણ હેડા મડ઼ે ઘોડા હલેતાં તેમેં લડ કોય નાય કેં??? હન નરકે પુછો લડ કડાં???”

                 રા’બાવા ચિતરેકે  ભુલ વતાયોં ને ખેતે વાઢેકે જરીજી પાગ પેરાયને હજાર કુરીયું ઇનામ ડનો.

(કનો કન સુણલ ગાલ) સાંચવિધલ પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

કવિ ”તેજ”

મે 23, 2010

કવિ ”તેજ”

     કચ્છમેં કચ્છી કવિ ને સાહિત્યકાર ત ઘણે અઇ,પણ જુકો મડ પંજ ચોપડીયું ભણલ આય છતાં જેંજી કચ્છી કાવજી હકડ઼ી ન બ ના ૨૦ ચોપડ઼ીયું પધરી થૈયું વે એડ઼ો કો નર વે ત ઇ નરિયેજો તેજપાલ ધારસી નાગડા “કવિ તેજ”

                        કાગર મથે “કવિ તેજ”,નલિયા-કચ્છ અતરો સરનામું કર્યો તોય અનકે હથો હથ કાગર મલી વંઞે અતરો નામી માડુ અતરે “કવિતેજ” પણ જતરો નામી અતરોજ નમરો ને હિંયેમેં હુભવારો નર અતરે “કવિ તેજ” ગુજારથ ભરલ બ લીટીજા કાવજી અનકે હથોટી આય. અતરે ચોવાજે ક,

 ગાંધીધામ વે ક વે નરિયો અનજે મન મડ઼ે સેજ;

ખલી કરે ખીંકારે મણી કે અન એંધાણી કવિ તેજ.

મેરાણમેં ખુખડે કકરા ભેરા મુતી પન ડસજે સેજ;              

મેડ઼ાવે  જો  મેરાણ  સુંઞો  જ   ડસજે  ન  કવિ તેજ.

ત હલો માણિયું “કવિ તેજ” કે.

 

                    “બુઢેંજી નિસાડ઼”                           

હિકડ઼ે  નંઢે  ગંજેમેં  રાતજો  નિસાડ઼  ખુલે;         

             બુઢા-ખુઢા સિખણ અચેં ખણી પેન-પાટી રે!    

કો’ક અચી  નિસાડ઼જી  ખુણમેં પેઆ ઓજરેં     

              કો’ક  વ્યેતાં  કઢી  કરે  તિડ઼ે મંજા આંટી રે!       

કો’ક “બારાખરી” વરી  ગોખે-ગોખે પકી  કરે;    

              કો’ક  વરી  જોર  કરે  એકડ઼ો પેઆ ઘૂંટી રે!      

“તેજ” કૅર વરી “ડોસા” અધપ વારે વિઠા હોય;  

               કૅર  વરી માસ્તર વટે મુછિયું પેઆ વટીં રે!

(કવિજી ચોપડ઼ી “તેજ-વાણી” મંજા)

  

                  “ગડોડ઼ા પ ગાઇંતા”

                 કુંભારજે  ગંજેમેં  ગવૈયા  આયા  હુજ  સારે!

ભાજારમેં  ઉભી  કરે   જંતર   વજાઇંતા.

                જંતરજા   સુર   સુણી, કુંભાર ત આયા ધૉડ઼ીઃ

ગવૈયા પ  તીંય  છિડ઼ી સંગીત સુણાઇંતા.

                ગાય-ગાય   થકા  તડ઼ે   જંતરેંકે  ક્યાં   ભંધ;

માન કીં મૈલે તેંલા નીમાણા થી ન્યારીતા;

               “તેજ” ત તાં કુંભાર કુછેઆ ચેંતા વા રંગ રખ્યાં;

આં જૅડ઼ો-ત  અસાંજા  ગડોડ઼ા  પ-ગાઇતા.

 (કવિજી ચોપડ઼ી “તેજ-વાણી” મંજા)

                          “ન્યાર્યોં”

ફેન ફતુર વધેંતા ન્યાર્યોં અજ ડીસી ડીસી;

                    ફુટરા  પ-ફાંફાં  મારીતાં  જેંમેં  અજ  ફસી ફસી.

કમાય  જમાય  બુજેંતા કુડ઼ા ને કુમૂર અજ;

                    સચ્ચેંજી  તાં  જિત્તે તિત્તે  થીએ અજ લસી લસી.

કુત્તેમેં  ને  નેતેંમેં  ફેર  પ  જિજો નાય કીં;

                    બૉય   મથો  ખેંતા  ન્યાર્યોં  અજ  ભસી   ભસી

અજજેં માડ઼ુએંજા ધિલ અઇ ક ભલા ચિભડ઼?

                    હલધેં  જ  પેંતા  તેરંઇ   અજ   ફિસી     ફિસી.

ખુમારી  રખેં  હાણેં  ખલક  મિંજા વિઞે તડ઼ે;

                    હથ્થેં  અજ  નર   થીંતા   ન્યાર્યોં   ખસી   ખસી.

સાહેબ  ત  ભલે  જિજા  સીંઘુ  ભનેં   પણ;

                    પટેવારાએ  ચેંતા  ન્યાર્યોં   અજ   અસીં   અસીં

જુલમ  કેં  જમાને  તેંમેં વંગ કેંજો પ-નાય;

                    ડુખેં   ડિસેંતાં   માડ઼ુ   અજ   ન્યાર્યોં   ડુસી-ડુસી

ભલે  તડેં  ભલાધુર  ચાં  ન-તો વધુ નકાં;

                    ઐં જ વરી ચોંધા “તેજ”જી વિઇ આય ખિસી ખિસી.

(કવિજી ચોપડ઼ી “તેજ-વાણી” મંજા)

“જિંધગી”

મુંભઇજા માડ઼ુ કૅડ઼ી જિંધગી ગુજારીયેં;

ખેં  ઘરેં  ત ઓગાર ઠેસનેંતે વારીએં.

 “મનડ઼ો”

સઉં હલે જ સિજ ઉગાય,ઊંધો હલે ત અંધેરી;

“તેજ” ચેં ઍડો મનડ઼ો છાલ થીએ મ કેંસે વેરી.

“તંતર”

અજ  ઉડ્ઘાટન મેં  કતર, સ્વાગત  મેં આંટી;

“તેજ” તંતર ઇં જ હલેતો,કિત ફિટક કિત ડાંટી

(કવિજી ચોપડ઼ી “તેજ-વાણી” મંજા)

૨૩-૦૫-૨૦૧૦

“ચાય ને છાય”

મે 19, 2010

         કચ્છજા કલાપી એડ઼ા કવિશ્રી દુલેરાય કારાણી કારાણીબાપાજી હકડ઼ી બોરી સુઠી રચના જુકો જુને વખતમેં મેડ઼ાવેમેં જેંજી જરૂર રજુઆત થીએ નકાં મેડ઼ાવો અધુરો લેખાજે સે જાધ કરેને આ વટૅ રખાંતો,

“ચાય ને છાય”

   કચ્છજી  રણકંધી  મથે નીલી     બન્ની  ન્યાર,

   નીલા   નેસ   નવાણ  ને ઘા નીલા  ગુલ્ઝાર;

  ગોંઇયું  મઇયું  મતારીઉં  ઘી  ને  ખીર અપાર,

  પ્રો  ફૂટધે   પરભાતમેં   છાય   કરે   છમકાર;

                                             પડખેમેં રણપાર,

                            ચાય ચડઇ આય ચુલ મથે.

  ચાય ચડઇ આય ચુલ મથે ઉકરેતો કાડ઼ો,

  સુણી   ધ્રુસકો    છાયજો  સુર  થ્યોસ કારો;

  ચાય  અચી ચેં છાય કે ખણ તોજો પારો,

  આઉં હુવાં  તિત  તું ન વે ઇ  મુંજો ધારો;

                                           ટાણે મોં ટારો,

                              કર હાણેં કચ્છડ઼ે મીંજા.

છાયઃ કચ્છ મંજાનું કીં વિંઞા કચ્છડ઼ો મુંજો ઘર,

          રસઇએ  રણકંધી  મથે  મોત  પઇ  તું  મર;

          તું   જેં   જે   પડખે   ચડ઼ેં   તેંકે   રખે  તર,

          કડેક  હી   કચ્છી  હુવા   નરવીરેમેં    નર;

                                               કેસર થ્યો કાયર,

                                               પનારે તોજે પેઓ.

ચાયઃ પનારે   મુંજે   પેઆ ખલક મુલકજા  ખાન,

          ચરઇ  કઇ  મું ચીનકે જલે રખ્યો જાપાન;

           તુરકી  કે  તારે  ગિડ઼ો  હેર્યો   હિન્ધુસ્તાન,

           ચરણકમલ મુંજા ચુંમે ઇરાન અરબસ્તાન;

                                                    મુંકે જુકે જહાન;

                                        ત કેર વિચાડ઼ો કચ્છડ઼ો?

છાયઃ કચ્છ  વિચાડ઼ો અજ થ્યો જ કેં તોજો કુસંગ,

          કડેક  હી  કચ્છી  હુવા   અવની મથે  અભંગ;

          ફુલાણી  ફતીઓ  અને  અબડ઼ાણી  અડ્ભંગ,

           રોપ્યા  રણ  વીરે  જિતે  ઝારે  જેડ઼ા  જંગ;

                                                તોજો પ્યો પ્રસંગ,

                                       ત કુમામ કે તું કચ્છજા.

ચાયઃ કુમામ  ન થ્યા  કચ્છજા થઇ વ્યો સુધારો,

         તોજો હિન ધરતી મથા વટાય વ્યો વારો;

         મુંજી આણ  મીણી  મથે  મોં   તોજો કારો,

         કૈં   મુંજી     પુજા    કરી    સાંજી    સવારો;

                                                     મુંજો સિતારો,

                                        કેડ઼ો કલયુગમેં ચડ઼યો.

છાયઃ કલયુગજી તું કાલકા ફેર ન ઇનમેં જરા,

          કોપ-રકાબી કીટલી ખપ્પર તોજા ખરા;

         ભરખે  રાણું  રત  ને   મુડ઼સે  કે   કે  મડ઼ા,

         સીં   જેડ઼ા   સોસે  કરે   વિંગડ઼ા કે તું  વરા;

                                            ધુબી હલેતી ધરા,

                                           ડાકણ તિજે ડપસે.

ચાયઃ ડાકણ મ ચો  ડોકરી  ડાકણ  તોજી મા,

          ઐયેં છટારી છાય તું આંઉ  અમીરી ચા;

          કાફી   મુંજી   ભેણ   ને  કાવો  મુંજો  ભા,

          આય આફિણ અસાંજો સગો વડો બાપા;

                                                નોંય ખંઢેજો રા,

                                           વડો અસાંજે વંસમેં.  

છાયઃ વખાણ તોજે  વંસજા ભનાય મ કર  ભારી,

          સુંઞણાંતી   તોજી   સજી   પેઢી   પટબારી;

          આફિણ   કારો   નાગ ને  નાગણ  તું   કારી.

          કાવો     કોડડિયારો   કાફી    ગો…જા…રી;

                                                  સોંય ભને સારી,

                                પણ વેલો ઇ વિણઠલ સજો,

ચાયઃ વિણઠલવારી વઠી હુ ગોલી મ કર  ગાલ,

          આડી   અસાંસે   હલી   મેડ઼ીનિયે  ન  માલ;

          લખેં  મિજ  લેખે  ન કો  તેડ઼ો   તોજો તાલ,

          મરધે  પણ  મુડ઼્સાઇમેં  કુછે  વિઠી   કંગાલ;

                                               હેડ઼ા થઇવ્યા હાલ,

                                            તોંયે તરારેંતી અચે?

છાયઃ તરારેં   તું  તી   અચે   કડ઼ેલ  કજીઆરી,

          કો જાણા તું કિત હુઇયે કારે મોં  વારી;

         મુઠો ડને તું  મુલક  કે   મુડ઼્સેજી   મારી,

         કારમુખી તું  કૈ મુલક  ભનાય   ભિખારી,

                                              ભુખ ડને ભારી,

                                         કુંભારજા તું કચ્છક

ચાયઃ કુંભારજા   તું    હુંનિયે  આઉં   જગત આધાર,

          મું    ધારા  માડ઼ુ   સુંઞા  સુંઞુ   સજો   સંસાર;

          ડિસ વન વગડા વાડિયું   ખેતર ને ખરવાડ,

          ખલક   સજી  ખુંધે  કરે  પુગીઐયા રણ પાર;

                                               હલી ઘડીભર ન્યાર,

                                            હલેં પગો પગ હોટલું.

છાયઃ હલેંતિયું   ઇ   હોટલું    ક  એઠા અવાડા,

          કાયર કમ વોણાં જિતે કરીએ ડવાડા;

          જામે    જંતુ    રોગજા   ચેપી  ચોપારા.

           કુથલી  ને  કંકાસજા  અખંડ   અખાડા;

                                              નવરેં જા વાડા,

                                પથરીં વિખ પ્રથમી મથે.

ચાયઃ વિખ નથા પથરીં અરે પથરીંતા અમરત,

          જુકો  તુકો  જાણેં  ન ઇ  આય  અનેરી   ગત;

          જાહેર  પરચો  જગતમેં સચ્ચી આંઉ સગત.

          મુડ઼્ધા મુંજો નાં સુણી ઉભા થિયે અલભત;

                                             આય સલામત સત,

                                       અજ ઇતરો અવની મથે

છાયઃ વા, વા,  અવનીજી  સતી  વા  તોજો   વરતાવ,

           બઇયું મરી ખુટઇયું મિડ઼ે  તોકે  નાવ્યો  તાવ;

           સતી   ન  વેં  તું  સંખણી સચી  ગાલ  ઇ  સાવ,

           સોભે   તોજે    સતકે    સત   જોડ઼ા    સિરપાવ;

                                                       ડેણ મ ડે ડેખાવ,

                                              જમ ઘરજી તું જોગણી.

ચાયઃ આંઉ ઐયાં ઇ જોગણી મુંજી બલિહારી.

          ભલ   ભલા   ભૂપાર  સે  મુંજા  પુજારી;  

          અમીર  મુંજે   આસરે  મું  વસ  વેપારી.

          ભંગી ઢેઢ ચમાર ને ભુલે ન  ભિખારી; 

                                           ટક્ક વિઠા ટારીં.

                                      કો કો મુંજે કોપ તેં.

છાયઃ ટક્ક  ટારીંતા   કોપ  તેં   એડ઼ા   કે    ટક્કટાર,

          ઘરવારીંઉં  ઘરમેં   વિજેં  તોજે નાં    ઉછકાર;

          ચક્ક વિજી ચોટી રઇયે ગાફલ ડીસી  ગમાર,

          સુંઞણેંતા    સે    સીંધમેં   જોડ઼ા   હણે     હજાર;

                                                ફિઠ તોજો અવતાર,

                                              પાડ઼ કઢી તું થી પર્યા.

ચાયઃ પાડ-કઢી સે કિં ઐયાં ઐયાં ગુણેજી   ખાણ,

          પગલા મુંજા પ્યા તડે ભચી પેઓ સીરાણ;

           ખાધો  પણ  થોડ઼ો  ખપે  પેલો  ઇ   પરમાણ,

           હાણે   હિકડ઼ે  ઢીંગલે   માન   મંઞે  મેમાન;

                                                     મેડ઼ાવે મેં માન,

                                          ગુણ મુંજા ગણજેં નતા.

છાયઃ તોજા ગુણ તો વટ્ટ હુવેં નુગણી તું   નારી,  

           અંગ જુરે આરસ અચે  મથો થોયે   ભારી;

           ઉબાકિયેં  આંસું  અચે નરમ  થિયે   નાડ઼ી,

           સવરી સે  અવરી લગે  ખરી થિયે ખારી;

                                                   ભુંઢણ ભમરાડ઼ી,

                                              ચોકો વારે ચૈં ડિસે.

ચાયઃ ચોકો   વાર્યો ચૈં  ડિસે ત  તોકે  કરિયાં  ચટ્ટ,

           હાણે તોજો  હિન ઘડ઼ી  વેરણ લાઇયાં વટ્ટ;

           મુંજા   માર્યા કૈ મુઆ ખરજી   પ્યા કૈ  ખટ્ટ,

            કૈકેંકે   કમકાજનું     ન્યારા    કેઆ   નિપટ્ટ;

                                                   છકેલ તોજી છટ્ટ,

                                       કઢી વિઝાં કચ્છડ઼ે મિંજા.

રતી-ચોડ઼ થઇ ચાય ને અંગ ઝરે  અંગાર,

કોપ   કરે  કર કાલકા  ભનઇ રૂપ  ભેંકાર;

ઉછરી નિકરઇ  છાય પણ બરંધે પેટે બાર,

બાઇયું  બોય  બરૂકીઉં તપી થઇયું તૈયાર;

                                      તડે સુણી તકરાર,

                                       માડ઼ુ ભેરા થ્યા ડ઼ે.

માડ઼ૂડ઼ે   કે  ચાય ચેં  હાણે હિત  ન રાં,

મીણાં  ઓઠા   છાયજા આંઉ કુરેલા સાં;

મુંજે   મનજી ગાલસે ચોખી  આંકે  ચાં,

કઢો છકેલી છાયકે કાં  તાં આંઉ મરાં;

                                વિંઞીં વાયમેં પાં,

                      પાછી વરાંન પોય પણ,

ચાય હલઇ તામ નરેંજી હથમેં રઇ નાડ઼ી,

કોક    કરીંતાં    વોયમા   મુઠ્ઠાસીં   માડ઼ી;

પાંધ   નિડીમેં  પાયને   નમેઆ નર-નારી,

સિરતે ચાય ચડ઼ાય  ર્યાં માફ કર્યો માડ઼ી;

                                ભુલ થઇ વઇ ભારી,

                            છુઓં ન અજનું છાયકે.

છુઓંન અજનું  છાયકે કઢોં છાયજી  છટ્ટ,

કેં પાણું  હથમેં ખયો કેંક  ઉપાડ઼ઇ   લઠ્ઠ;

બરસે બેથડ પાયને ઘામેં રખ્યોં ન ઘટ્ટ,

મટ્ટ કડ઼કાયા છાયજો   ફડ઼ાક ડઇને  ફટ્ટ;

                              નામેં  ન રઇ નિપટ્ટ,

                           છેલો  હલેઓ છાયજો.

હીકડ઼ી હલઇ છાય તડ઼ે હલેઆ ઘી ને ખીર,

પંચામ્રત પુઠિઆ હલ્યા સેંઠા સબર સરીર;

હુભ્ભ  હલઇ ને હેત વ્યા વ્યા હિંયેજા હીર,

ચાય   અચી   ચૂસે   ગિડ઼ે   નરવીરેંજા  નીર;

                                         ખારો કેં ખમીર,

                                “કારાણી”ચેં કચ્છજો.

(કારાણી બાપાજી પુસ્તક કચ્છના કળાધરો મંજાનું)

કવિ “અબ્દ”

મે 19, 2010

               કવિ “અબ્દ” અતરે  જનાબ અબ્દ સુલેમાન તુરિયા જો જનમ મડઇમેં થ્યો વો.જુવાન અબ્દ પાંજે કચ્છજે છાંપે “કચ્છમિત્ર” જો ઉપતંત્રીપધ વડે પ્રેમ સે નિભાયોં. ”કચ્છમિત્ર”મેં જ ઇની “ભક્ત કડવાજી” નાં સે “કડવાજીની વાણી” કટાર લખી ને સમાજ સુધારક અને રાજકારણી કે ઘણેં થપાટું હયો નો.કચ્છી પ્રજાજી રાજકીય લડત લાય રાજાશાહીજે વખતમેં “ચડી ચુકો આય જંગ અસાંજો ચડી ચુકો આય જંગ”કાવ લખ્યો ને સભાએંમેં વડે સડારે ગાઇને ગજાયોં પણ.

         કચ્છી ગઝલજો પાઇયો જનાબ મકભુલ કચ્છી રખ્યો પણ અન મથે લાટ માટ ઇમારત ભનાઇધલ “શાયરેઆઝમ-અબ્દ”જો નાં જડૅ કચ્છ સાહિત્યજો ઇતેહાસ લખાધોં તડેં સોનેરી અખરે લખાધો. કચ્છીમેં ઉર્દુજા સબડ વાવરીધલ મકભુલ કચ્છી, અબ્દુલ્લા રૂંઝા પોય ત્ર્યો નાં જનાબ અબ્દ જો અચે.મું વટે ઇનીજી કોય ચોપડી નાય પણ જકી હાથ લગા સે થોડાક સે’ર લખાતોં

મોતનું પણ મૉર મૂંકે જિંધગી મારે વિધેં;

કે  મિણી  રીતેં કરે   મોથાજ ને  ટારે વિધેં.

                             ઠોકરેં મારેં જમાનો, ”અબ્દ” ખિલંધો ર્યો સડઇં;

                             માન કે અપમાનજી પરવા ન ધિલ ધારે વિધેં

રાત વિચમેં ઝઘડ઼ા તા કરીએં ઉભા;

પાંજા   મિંધર-મસ્જિદેંજા   ખાર   ઐં.

                                 ઓડો અચે ન ગમ કીં,મુસીભતકે મારિયું;

                                 જીરા ઐયું ત પાણ પણ બ્યેંકે જિયારિયું.

 (શ્રી પ્રભાશંકર ફડકેજી ચોપડી “શબ્દને સથવારે મંજા)

“મંધિયાણી”

મે 16, 2010

         કચ્છમેં કચ્છી અને ગુજરાતી કવિએજો મહેભુભ સાયર ને હુભ સે “અધા” જેડ઼ો માન વાચક નાં જેજો ગનાજે એડ઼ે ઉચે ગજે જે સાહિત્યકાર “વૃજ ગજકંધ”જી હકડ઼ી રચના નેરીયું 

 “મંધિયાણી”

મંધિયાણી! તું મખણજી મા’રાણી,

ડાડે પરડાડેજી ઐયે અસલ તું એંધાણી…..

લક્કડેજી તું નારી તોજા ભભકા ઐ ભારી,

વિચમેં લો-જો થંભ ફુલ ને પારેજી હિંયારી;

તો વટે તાં કૈંક જુગણા,

થિઇ વંઞે પાણી પાણી…. …. …. મંધિયાણી

નિમણા નિમણા હથ તોકે ફુધરડી ફિરાઇએ,

પ્રો ફુટે ને મંજિયું કર ગીત મઠડ઼ા ગાઇએઃ

પારે મિંજ રમેં વિઠી તું,

રોજ ચલક ચલાણી… …. …. …. મંધિયાણી

સાગર મંથન કરેલા ભેરા થ્યા વા ડેવ-ડાનવ.

સેસનાગજો કેંયોં નેતરો કઢ્યાં અમૃત આસવ;

પુરાણમેં આય લખેલી,

તોજી હી આખાણી …. …. …. …. મંધિયાણી

છાય વિગરતાં કચ્છીયે કે હિકડ઼ો ડી ન હલે,

ઇતરે તોકે હીયડ઼ે રખી રોજ લગાઇયેં ગલે;

જીયારીંધલ તું જીવાડોરી,

ને હથુકી હમિયાણી,,,, …. …. …. મંધિયાણી

 

                                 (કવિજી પધરી થેલ પુસ્તક “મંધિયાણી” મંજા)

“અસાંજે ગોઠ”

મે 16, 2010

“અસાંજે  ગોઠ”

        કચ્છજી મઠડ઼ી નિગરી અતરે મડઇ જા હકડ઼ા અતરા જ મઠડ઼ા શાયર જો નાલો ત જનાબ ઇબ્રાહીમ અલ્લારખ્યા પટેલ ઇ ચો ત ઘણે ન સુંઞણે પણ ચો “મકભૂલ કચ્છી” ત તેરૈ ચેં ભો ભો અની કે જણ બચ્ચો સુંઞણે અનીજી હકડ઼ી રચના નેરીયું

કડેં અસાંજે ગોઠ અચીંધા,કડેં અસાંજે ગોઠ?

ગોઠ સેરનું ડિસંધા ન્યારો,અચો ત ડ્યું ધિલમેં ઓતારો,

વડી હુભ્ભને હેત મિંજાનું કરિયું આંકે કોઠ…. …. …. …કડેં અસાંજે ગોઠ?

અસીં અયું પિન્ઢ સાધા માડ઼ુ,કો અઇ ખેડ઼ુ કો અઇ આડ઼ુ,

અસાં વટે નઇ કુરસ્યું ટેબલ, ઢારે ડ્યું બાજોઠ…. …. …કડેં અસાંજે ગોઠ?

મલાઇ ખીર મખણ ડઇ છાયું,અચીજા ત આંકે ખારાયું,

અસાં ગરીભેં વટા ભલા બઇ કુરો થૈ સગે ઠોઠ?…. …. ..કડેં અસાંજે ગોઠ?

કભો રાતજો મન મેડ઼ાવા,સુણાઇબો મોભતજા ગાવા,

હિરણભિરણમેં અસાં મિંજા “મકભુલ” ન ડિસંધા રોઠ…. .કડેં અસાંજે ગોઠ?

(કોઠ=નોતરો,આડ઼ુ=ગ્વાર,ઠોઠ=સરભરા,રોઠ=ડેખાડ઼ો)

(પ્રભાશંકર ફડકેજી પુસ્તક “શબ્દના સથવારે”માંથી)

 

“મુંજી માતૃભૂમિકે નમન”

મે 16, 2010

           “મુંજી માતૃભૂમિકે નમન”

            કચ્છ જડેં કચ્છરાજ્ય ચોંવાધો વો તડેં ૧૮૯૫મેં મઠી મડઇમેં જેજો જનમ થ્યો વો ઇ નર અતરે મુરારિ લાલજી વ્યાસ જુકો “કવિ નિરંજન” નામસે પંઢજી ઓડ્ખ રખી વ્યા અન ૧૭ વરેજી કચ્ચી અવસ્થામેં કચ્છજે જણ બચ્ચે કે અભેમાન થીએ એડ઼ો કચ્છજો દેશભક્તિજો ગીત લખે અન ગીતસે કચ્છડ઼ે કે સલામ કરે ને હન બ્લોગજી મંગલા ચરણકરિયાતો.

મુંજી  માતૃભૂમિકે નમન! આય વલો આસાંજો વતન!

કચ્છી અસાંજા કોડ મિંજા કુલભાન કરીં તનમન!

રતન ખણી વિડેસજા ને મેરમણ ઉછરન,

મલ્લજેડ઼ા માલમ મછુવેંસેં સાગરપાર પુજન,

વડ્યું વિલાતું વિની માડુડ઼ા કચ્છડ઼ે કે ઉકંટન,

પેર ડીંધડ઼ે પચ્છમ ધરાતેં આખડ઼્યું નીર વસન,

સિંધુડ઼ો સોણાઇ સુણી રત મુડ઼્સેજા ઉછરન,

જંગ જમેં જિત જોરતા જાડ઼ેજા ઝુઝન,

ઢોલકતેં નિત થાપ લગે ને તંબૂર વાયઝ પડ઼્ન,

સુરતા જેંજી લગી સાંઇસેં કાફયું મિઠ્યું કુછન,

હેમારે વટ પુગો “નિરંજન” ધીણોધર સંભરન,

અસીં બાલુડ઼ા બુલબુલ ઇનજા માડ઼ી અસાંજો ચમન,

મુંજી માતૃભૂમિકે નમન! આય વલો અસાંજો વતન!

–કવિ નિરંજન

(પ્રભાશંકર ફડકેજી પુસ્તક “શબ્દના સથવારે”માંથી)

“બ બોલ…..”

મે 16, 2010

“બ બોલ…..”

 “કચ્છડ઼ો ખેલે ખલક્મેં,જીં મહાસાગર મચ્છ,     

જિત હિકડ઼ો કચ્છી વસે ઉતે ડિંયાણી કચ્છ.”

સવંત ૨૦૬૬જી નીજ વૈસાખ સુડ ત્રીજ (અખાત્રીજ) ને રવિવાર અંગ્રેજી તારીખ ૧૬મી મે ૨૦૧૦

       અજ કચ્છીજો પેલો બ્લોગ ચાલુ કંધે હરખજી હેલી ચડ઼ેતી  ઉ કચ્છી જેંજી હાં…હાં…હાં… કંધે ૬ ડાયકા ગુધરી વ્યા અન લાય કરે ક ઇ ભાસા નાય બોલી આય ભાસાજી ત બલાખડી વે કચ્છીજી કડાં આય? હાણે કચ્છી ગુજરાતી બલાખડીમેં લખાજે ત ક્યો અભ પટ પે વારો આય? હા ઇ વાંચે  ટાણે પાંણ હી કચ્છી વાંચીયુંતા ગુજરાતી ન ઇ જાધ રખણું ખપે.

            હી ગાલ કંધે મુકે જુની ફીલમ જો હક્ડ઼ો બહુજ પ્રખ્યાત થેલ સોહરાબ મોધીજો ડાયલોગ જાધ અચેતો “અમીરો કા ખૂન ખૂન ઔર ગરિબોં કા ખૂન પાની?”

ત દેવનાગરી મે લખાજે સે સંસ્ક્ર્ત,હિન્ધી ને મરાઠી ઇ ત્રોય અલગ ભાસા ચોવાજે અને કચ્છી ગુજરાતીમેં લખોં ત પુછો તા ક  આંજી બલાખડી કડાં? વા માલક વા હી કેડ઼ો નીયા?

કચ્છી ભાસા અતરે……????

રૂક્ક  જેડ઼ી નક્કર સક્કર જેડ઼ી સીરીવારી,

અક્કડ઼  અનોખી અતિ ગતિ રામબાણજી,

કુછેમેં  કડ઼ક  કચ્છી પાણીજે કડ઼ાકે વારી, 

વિજજે  વરાકે  જેડ઼ી  જોત  જિંધજાનજી,

તાજી ઘોડ઼ો છુટે તુટે તોપજો ગલોલો તેડ઼ી,

“કારાણી” ચે ચોટ કચ્છી વાણીજી કમાનજી.